મુખ્ય માર્ગદર્શિકા

એક શિલ્પકાર જેમ પથ્થરમાંથી મૂર્તિ ઘડે છે તેમ અમે ધીરજ, ખંત અને એકાગ્રતાથી અમારા ગુજરાતી પ્રાથમિક વિભાગમાં આવતા દરેક નાજુક અને નાના વિદ્યાર્થીઓનું જીવન ઘડતર કરવાનો સંકલ્પ લીધો છે. ૨૦૨3 અને ૨૦૨૪ નું શૈક્ષણિક વર્ષ વૈવિધ્યપૂર્ણ, વિવિધ પ્રવૃત્તિમય અને કાર્યકુશળતાથી સમૃદ્ધ રહ્યું. શિક્ષણ એ ઈશ્વરની સૃષ્ટિને સમજવાનું ઉત્તમ માધ્યમ છે. પ્રાથમિક શિક્ષણ એ જીવનની ઈમારતનો પાયો છે, એ જેટલો મજબૂત બને જીવન એટલું જ સફળ થાય. આ વાતને લક્ષમાં રાખીને પ્રાથમિક વિભાગની ગતિ - પ્રગતિ માટે, બાળકની કેળવણી તથા તાલીમમાં ઉત્તરોત્તર ઉન્નતિ થાય એવી પ્રવૃત્તિઓ અમે કરાવીએ છીએ. આજના બાળકો ઉચ્ચ ટેકનોલોજી તથા વૈજ્ઞાનિક ઉપકરણોના નિતનવા ઉપયોગ સાથે જીવન જીવી રહ્યાં છે, આવા હાઈ ટેક બાળકોને નિત્ય નવું, સચોટ, તાર્કિક તથા વ્યવહારિક જ્ઞાન આપીને તેમની જ્ઞાનની પિપાસા પરિતૃપ્ત થાય તેવું જ્ઞાન ગમ્મત સાથે આપવાનો સફળ પ્રયત્ન વર્ષભર કરીએ છીએ. આ સર્વે બાબતોને નજર સમક્ષ રાખીને આપણી શાળામાં બાળકોને અનુરૂપ ઉચ્ચ કક્ષાની સવલતો અને આજની નવી શિક્ષણ પદ્ધતિ તથા આધુનિક વિચારવિમર્શ પર આધારિત સાધનો દ્વારા બાળકોને શિક્ષણ આપવામાં આવે છે જેથી બાળકો પોતાની આંતરિક સૂઝ - સમજ, સૂક્ષ્મ જ્ઞાનશક્તિ મુક્ત રીતે પ્રદર્શિત કરી શકે.

સંસ્થા દ્વારા આપવામાં આવેલી સગવડો અને દૃશ્ય - શ્રાવ્ય સાધન સંપત્તિનો સંપૂર્ણપણે ઉપયોગ કરવાથી બાળકોમાં શારીરિક, માનસિક, બૌદ્ધિક, સામાજિક અને સાંસ્કૃતિક ( બાળકોની વયમર્યાદાને ધ્યાનમાં રાખીને તેમનો સર્વાંગીણ) વિકાસ શક્ય બન્યો છે. વર્ગમાં વિવિધ સ્પર્ધા, વાર્ષિક રમતોત્સવ, વાર્ષિક મહોત્સવ તથા અનેક તહેવારો ખૂબ જ ઉત્સાહ અને આનંદપૂર્વક ઉજવી, પ્રત્યેક તહેવારોની ઊંડી સમજણ, ભાષણ, નાટ્ય રૂપાંતરણ, વેશભૂષા વગેરે દ્વારા બાળકોને જ્ઞાનમય બનાવી ભવિષ્યની સ્પર્ધાઓમાં ઝળહળતી સફળતા પ્રાપ્ત કરે તે માટે તૈયાર કરીએ છીએ. બાળકમાં આત્મવિશ્વાસ વધે એ માટે કૂટ પ્રશ્નો, બૌદ્ધિક રમતો, વૈજ્ઞાનિક અને ગાણિતિક પ્રવૃત્તિઓ આપવામાં આવે છે. શિક્ષકો અને બાળકો વચ્ચે સુમેળભર્યા, મમત્વભર્યા સંબંધો સોનામાં સુગંધ ભેળવે છે. આજનાં બાળકને આવતીકાલના શ્રેષ્ઠ નાગરિક બનાવવાની અમારી મહેનત સફળ થાય એ જ સંકલ્પ સાથે અસ્તુ.

"મુખ્ય શિક્ષકના વિચાર
“શિક્ષણ સમૃદ્ધિમાં આભૂષણ સમાન છે અને સંઘર્ષમાં આસરા સમાન છે."

Principal
શ્રીમતી કવિતા એસ. મારૂ
આચાર્ય, ગુજરાતી પ્રાથમિક વિભાગ

© Shri T P Bhatia College of Science 2014 - 2024. Powered by: The KES.